હળવદ:
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જુગાર-દારૂના દૂષણને નાથવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. હળવદ તાલુકાના કોયબા ગામે ચાલતી જુગારની મહેફિલ પર હળવદ પોલીસે ઓચિંતો દરોડો પાડી જુગાર રમી રહેલા 5 શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

બાતમીના આધારે પોલીસની અચાનક એન્ટ્રીથી દોડધામ
હળવદ પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કોયબા ગામમાં કેટલાક ઈસમો એકઠા થઈ પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારતાં જુગાર રમી રહેલા શખ્સોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરી સ્થળ પરથી રોકડ રૂ. 14,200 ના મુદ્દામાલ સાથે પાંચેય ખેલાડીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:
- જગદીશભાઈ મુગટલાલ રાવલ
- વિજયસિંહ કરણસિંહ ઝાલા
- દયારામભાઈ ભીખાભાઈ પરમાર
- વનરાજભાઈ ભરતભાઈ ચાવડા
- સૂર્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા
કાયદેસરની કાર્યવાહી
હળવદ પોલીસે પકડાયેલા પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સરહદી રેન્જ ભુજના આઈજીપી, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના ડીવાયએસપીની સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સમગ્ર પંથકમાં સઘન ચેકિંગ અને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.