લંડન:
ક્રિકેટના મેદાન પર અવારનવાર અદ્ભુત રેકોર્ડ બનતા રહે છે, પરંતુ તાજેતરમાં ઇંગ્લેન્ડના એક 9 વર્ષના ભારતીય મૂળના બાળકે જે પરાક્રમ કર્યું છે, તેણે સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ઇંગ્લેન્ડના ‘ગ્રેટ શેલ્ફોર્ડ ક્રિકેટ ક્લબ’ની અંડર-9 ટીમ તરફથી રમતા રોહન નામના બાળકે સ્થાનિક મેચમાં એક જ ઓવરમાં સતત 6 બોલમાં 6 વિકેટ ઝડપીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપી દીધો છે.
મેડન ઓવર સાથે ‘ડબલ હેટ્રિક’: ક્રિકેટના ઇતિહાસમાં દુર્લભ ઘટના
બીબીસી (BBC) ના અહેવાલ મુજબ, રવિવારે હિસ્ટન ક્રિકેટ ક્લબ સામે રમાયેલી એક રોમાંચક મેચમાં રોહને પોતાની બોલિંગનો એવો જાદુ ચલાવ્યો કે સામેની ટીમના બેટ્સમેનો જોતા જ રહી ગયા. રોહને પોતાની ઓવરમાં એક પણ રન આપ્યા વિના (મેડન ઓવર) સતત 6 બોલમાં 6 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. ક્રિકેટની ભાષામાં આને ‘ડબલ હેટ્રિક’ કહેવામાં આવે છે. રોહનના આ ઐતિહાસિક પ્રદર્શનના જોરે તેની ટીમ ‘ગ્રેટ શેલ્ફોર્ડ’ આ મેચમાં હિસ્ટનને 26 રનથી હરાવવામાં સફળ રહી હતી.
‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ખાસ ગિફ્ટ
આ અકલ્પનીય સિદ્ધિ બાદ ખુશખુશાલ રોહને જણાવ્યું હતું કે, “એક જ ઓવરમાં સતત છ વિકેટ લેવાની અનુભૂતિ અત્યંત ખાસ છે. આ મેચ અને તેની ઉજવણી હું જિંદગીભર ક્યારેય નહીં ભૂલી શકું.” ક્રિકેટમાં આવી ઘટના ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. મેચમાં શાનદાર અને ઐતિહાસિક પ્રદર્શન કરવા બદલ રોહનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો અને યાદગીરી રૂપે તેને એ જ મેચનો બોલ ગિફ્ટમાં આપવામાં આવ્યો હતો.
પિતા અને કોચે ગણાવ્યો ભવિષ્યનો સુપરસ્ટાર
રોહનની આ અભૂતપૂર્વ સફળતા બાદ તેના પિતા નારાયણ, ટીમના કોચ અને મેચના અમ્પાયરે પણ તેની પીઠ થાબડી હતી અને તેને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રોહન અત્યારથી જ પોતાની સ્કૂલ ટીમ અને ક્લબ ટીમ બંને માટે મુખ્ય બોલર તરીકે રમે છે. એક 9 વર્ષના બાળકે જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરના દિગ્ગજો પણ ન કરી શકે તેવો રેકોર્ડ બનાવ્યો છે, તે જોતા ફેન્સ કહી રહ્યા છે કે ક્રિકેટ જગતને ભવિષ્યનો મોટો સુપરસ્ટાર મળી ગયો છે.
