આણંદ :
આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) તરીકે ફરજ બજાવતા અને વિવાદમાં આવેલા શ્રીમતી કેતકીબેન વ્યાસ સામેના ચર્ચાસ્પદ ગુના સંદર્ભે દેશની સર્વોચ્ચ અદાલત નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેસમાંથી મુક્ત (Discharge) થવા માટે આરોપી કેતકીબેન વ્યાસ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પીટિશનનો ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સર્વોચ્ચ અદાલતે નિકાલ કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલી વચગાળાની રાહત હટાવી લેતાં હવે કેતકી વ્યાસ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર કેસની કાર્યવાહી આગળ વધશે.

શું હતો સમગ્ર સ્પાય કેમેરા અને બ્લેકમેઇલિંગ કેસ?
ઓગસ્ટ ૨૦૨૩માં આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા ગોઠવી, તત્કાલીન કલેક્ટરને ફસાવીને વિડિયો બનાવી, વિવાદાસ્પદ જમીનની ફાઇલો મંજૂર કરાવવા માટે ધમકી આપવાના તેમજ બળાત્કારના કેસમાં ફસાવી દેવાનું મોટું કાવતરું રચવામાં આવ્યું હતું. આ મામલે કેતકીબેન વાસુદેવભાઈ વ્યાસ તેમજ તેમના સહ-આરોપી જીનેશકુમાર દેસાઈભાઈ પટેલ (તત્કાલીન નાયબ મામલતદાર) અને હરીશભાઈ હરમાનભાઈ ચાવડા (વકીલ) વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) આણંદ દ્વારા કરીને અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડાઈ
કેસમાંથી મુક્તિ મેળવવા માટે આરોપી કેતકીબેન વ્યાસ દ્વારા નીચલી ટ્રાયલ કોર્ટ તેમજ સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજીઓ રજૂ કરવામાં આવી હતી. જોકે, કેસના ગંભીર પુરાવાઓને ધ્યાને રાખીને બંને અદાલતોએ તેમની અરજીઓ ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટના આદેશ બાદ કેતકી વ્યાસે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી સામે વચગાળાનો સ્ટે (વચગાળાની રાહત) આપ્યો હતો.
વચગાળાની રાહત દૂર: હવે ટ્રાયલ ચાલશે
LCB આણંદના તપાસ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામા અને સરકારપક્ષના વકીલોની મજબૂત દલીલોને ધ્યાને લઈને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટે પીટિશનનો આખરી નિકાલ કરીને વચગાળાનો સ્ટે હટાવી લીધો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ બાદ હવે નીચલી અદાલતમાં કેતકી વ્યાસ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફોજદારી કેસની ટ્રાયલ નિયમિત ધોરણે આગળ ધપાવવામાં આવશે.