અમદાવાદ :
દેશના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર (MAHSR) અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્માણ પામી રહેલા અત્યાધુનિક બ્રિજનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ૪૮૦ મીટર લંબાઈ ધરાવતો અને આશરે ૩૬ મીટર (લગભગ ૧૧૮ ફૂટ એટલે કે ૧૨ માળની બિલ્ડિંગ જેટલો) ઊંચો આ પુલ અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરની અત્યંત મહત્વપૂર્ણ અને જટિલ રચનાઓમાંનો એક છે.

સ્થાન અને વિશેષ એન્જિનિયરિંગ ડિઝાઇન
આ પુલ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી આશરે ૧ કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી ૪ કિલોમીટરના અંતરે આવેલો છે. તે પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇનની બાજુમાં જમીનથી આશરે ૧૪.૮ મીટર ઊંચાઈએ સ્થિત છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન અલાઇનમેન્ટ હાલના અનેક ફ્લાયઓવર, સામાન્ય બ્રિજ, રેલવે ટ્રેક અને મેટ્રો લાઇનને ક્રોસ કરતું હોવાથી વર્ટિકલ ક્લિયરન્સ જાળવવા માટે સાબરમતી નદીના થાંભલાઓની ઊંચાઈ ખાસ વધારવામાં આવી છે.
નદીના પ્રવાહને અવરોધ્યા વગર ૮ વિશાળ થાંભલાઓ પર નિર્માણ
આ બ્રિજને ૬ થી ૬.૫ મીટર વ્યાસ ધરાવતા ૮ ગોળાકાર થાંભલાઓ (Pillars) પર ઊભો કરવામાં આવ્યો છે:
- ૦૪ થાંભલા નદીના પટમાં બનાવવામાં આવ્યા છે.
- ૦૨ થાંભલા નદીના બંને કિનારા પર આવેલા છે.
- ૦૨ થાંભલા નદી કાંઠાની બહાર નિર્માણ કરાયા છે.
થાંભલાઓની આ ખાસ વ્યુહાત્મક ગોઠવણીને લીધે નદીના કુદરતી જળપ્રવાહમાં લઘુતમ અવરોધ ઊભો થાય છે. મોટાભાગના નદી પુલોમાં ૪૦ મીટરના ગાળા હોય છે, જ્યારે સાબરમતી પુલમાં ૫૦ થી ૭૬ મીટર સુધીના લાંબા સ્પાન રાખવામાં આવ્યા છે. જેમાં ૭૬ મીટરના ૫ સ્પાન અને ૫૦ મીટરના ૨ સ્પાન સામેલ છે. દરેક સ્પાનમાં ૨૩ સેગમેન્ટ લગાવવામાં આવ્યા છે.
બેલેન્સ્ડ કેન્ટિલિવર પદ્ધતિથી આધુનિક નિર્માણ
નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના જણાવ્યા મુજબ, આ પુલનું નિર્માણ સંતુલિત કેન્ટિલિવર (Balanced Cantilever) ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ તકનીકમાં ડેકની નીચે પરંપરાગત ટેકા (સ્કેફોલ્ડિંગ) લગાવ્યા વિના બંને બાજુ એકસાથે સેગમેન્ટ ઊભા કરી પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા જોડવામાં આવે છે, જે નદીઓ પર પુલ બાંધવા માટે અત્યંત સુરક્ષિત અને સક્ષમ માનવામાં આવે છે.
ગુજરાતમાં ૨૧ માંથી ૧૮ નદી પુલોનું કામ સંપન્ન
સમગ્ર મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર કુલ ૨૫ નદી પુલોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાંથી ૨૧ નદી પુલ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં આવેલા છે. ગુજરાતમાં આયોજિત ૨૧ માંથી ૧૮ નદી પુલોનું બાંધકામ હવે સંપૂર્ણપણે પૂરું થઈ ચૂક્યું છે, જે પ્રોજેક્ટની ઝડપી પ્રગતિ દર્શાવે છે.