અમદાવાદ

અમદાવાદમાં નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપાયો, રિક્ષા ચાલક ઝડપાયો

અમદાવાદમાં નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપાયો, રિક્ષા ચાલક ઝડપાયો

અમદાવાદ શહેરમાં નશાકારક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત દાણીલીમડા પોલીસને મોટી સફળતા મળી છે. ગઈ મોડી રાત્રે કોમ્બિંગ દરમ્યાન પોલીસે નશાકારક કફ સિરપની ૩૭૧ બોટલ સાથે એક રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે જથ્થો પૂરું પાડનાર એક અન્ય શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી.ટી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એ.સી.પી. વિશ્વજીતસિંહ ચૌહાણ અને પી.એસ.આઈ. નિતિનકુમાર અરુણભાઈને બાતમી મળી કે ન્યૂ ફૈઝલનગર પાસે રિક્ષામાં નશાકારક કફ સિરપનું વેચાણ ચાલી રહ્યું છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સાહિલ મોહંમદ રફીક શેખ (રહે. દાણીલીમડા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૦૦ મિલીલીટરની ૩૭૧ બોટલ (કિંમત ₹૩૭,૦૬૬), એક મોબાઈલ ફોન (₹૧૫,૦૦૦), રોકડા ₹૮૦૦ અને ગુનામાં વપરાયેલી સીએનજી રિક્ષા (₹૭૫,૦૦૦) મળી કુલ ₹૧,૨૭,૮૬૬નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન ખુલ્યું કે આ જથ્થો મહંમદ સલમાન ઉર્ફે બાબા મારવાડી (રહે. દાણીલીમડા) દ્વારા પુરો પાડવામાં આવ્યો હતો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપી સાહિલ સામે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કલમ ૮(સી), ૨૧(સી) અને ૨૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પીઆઈ સી.ટી. દેસાઈ, પીએસઆઈ ડી.જે. સોલંકી, એ.સી.પી. વિશ્વજીતસિંહ, અજયસિંહ, મહેબૂબખાન અને પોલીસ કોન્ટેબલ નિતિનકુમાર તેમજ હેમેશભાઈ જોડાયા હતા.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder