મોરબી

મોબાઇલ પછી હવે ગ્રામ્ય સુરક્ષાનું નવું હથિયાર – સીસીટીવી કેમેરા: ખેડૂત, ગામ અને પોલીસ માટે સમયની સૌથી મોટી જરૂરિયાત

મોબાઇલ પછી હવે ગ્રામ્ય સુરક્ષાનું નવું હથિયાર – સીસીટીવી કેમેરા: ખેડૂત, ગામ અને પોલીસ માટે સમયની સૌથી મોટી જરૂરિયાત

વાંકાનેર: વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં વાયર ચોરી, પશુચોરી, મારામારી તેમજ પરપ્રાંતીય ખેતમજૂરો અને યુવક-યુવતીઓ ઘરેથી ભાગી જવાના બનાવો નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં જ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ખેડૂતોએ ખેતરમાંથી વીજ વાયર ચોરી અને ભેંસ ચોરીની અરજીઓ નોંધાવી છે. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને આધુનિક બનાવવાની જરૂરિયાત સ્પષ્ટ બની છે.ખેડૂતો, ફાર્મહાઉસ ધારકો અને ગ્રામજનો પોતાના ખેતરો, વાડીઓ, સીમાડાના રસ્તાઓ તેમજ ગામ તરફ આવતા-જતા માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવે તો અનેક પ્રકારના ગુનાઓને રોકવામાં મદદ મળી શકે છે. ઘટનાના સમયે મળતા સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વના પુરાવા તરીકે ઉપયોગી બની શકે છે,

જેના કારણે આરોપીઓ સુધી ઝડપથી પહોંચી શકાય છે. સીસીટીવી માત્ર ચોરીનાબનાવો માં જ નહીં, પરંતુ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, અસામાજિક તત્વોની અવરજવર, પશુચોરી, મારામારી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ અસરકારક નજર રાખી શકે છે. એટલું જ નહીં, કોઈ વ્યક્તિ ગુનો કરવાની યોજના બનાવતો હોય તો પણ કેમેરાની હાજરી તેને ગુનો કરતાં પહેલાં જ અટકાવી શકે છે.પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના પ્રયાસો વચ્ચે જો ગ્રામજનો પણ ટેક્નોલોજીનો સહારો લઈને સુરક્ષામાં ભાગીદાર બને, તો “પોલીસ અને પ્રજા” વચ્ચેનું સહયોગી સુરક્ષા મોડેલ વધુ મજબૂત બની શકે. આ પ્રકારની જનભાગીદારીથી અનેક નાના-મોટા ગુનાઓ ઝડપથી ઉકેલાઈ શકે અને ગુનાખોરીમાં ઘટાડો લાવવામાં પણ મદદ મળી શકે.આધુનિક યુગમાં જેમ મોબાઇલ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે,

તેમ હવે ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા પણ સુરક્ષાનું અનિવાર્ય સાધન બની રહ્યા છે. દરેક ખેડૂત, ફાર્મહાઉસ માલિક અને ગ્રામજન જો પોતાની મિલકત અને ગામની સુરક્ષા માટે સીસીટીવી સ્થાપિત કરે, તો સમગ્ર વિસ્તાર વધુ સુરક્ષિત બની શકે.”સજાગ ગ્રામજન – સુરક્ષિત ગામ”ના સંકલ્પ સાથે પોલીસને સહયોગ આપવાનો સમય આવી ગયો છે. સીસીટીવી કેમેરા માત્ર એક ઉપકરણ નથી, પરંતુ ગુનાખોરી અટકાવવાનું, ગુનાઓ ઝડપથી ઉકેલવાનું અને ગ્રામ્ય સમાજમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનું અસરકારક માધ્યમ છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder