
વાંકાનેર, તા. ૨૭: આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને અભ્યાસ માટે સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે હેતુથી વાંકાનેરમાં આધુનિક ‘સ્માર્ટ પુસ્તકાલય’ શરૂ કરવાની માંગ ઉઠી છે. જાગૃત નાગરિક જયેન્દ્રસિંહ મધુભા ઝાલાએ મામલતદારશ્રીને લેખિત અરજી આપી હતી. અરજીને શાળા-કોલેજોના આચાર્યશ્રીઓ તથા સેંકડો વિદ્યાર્થીઓનું સમર્થન મળ્યું છે. માગણીમાં ૧૫ હજારથી વધુ પુસ્તકો, કોમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, ડિજિટલ લાઈબ્રેરી, બાળ વિભાગ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અલગ વિભાગ સહિતની સુવિધાઓ ઉભી કરવાની રજૂઆત કરાઈ છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં યુવાનોને વાંચન તથા એકાગ્ર અભ્યાસ તરફ વાળવા માટે આવું પુસ્તકાલય માત્ર ઈમારત નહીં, પરંતુ વાંકાનેરના યુવાધનના ભવિષ્યનું જ્ઞાન કેન્દ્ર બની શકે છે. હવે વહીવટીતંત્ર આ લોકહિતની માંગણીને કેટલી ઝડપથી સાકાર કરે છે તેના પર સૌની નજર છે.

