


ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઇંટવાડાઓ સામે જિલ્લા વહીવટીતંત્રે નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે કરેલી આકસ્મિક તપાસ દરમિયાન ચાર ઇંટવાડાઓમાં સરકારી જમીન પર અનધિકૃત કબજો, બિનખેતીની મંજૂરી વિના સંચાલન, પર્યાવરણીય નિયમોનો ભંગ અને રોયલ્ટી ચૂકવ્યા વિના માટીના ઉપયોગ સહિતની ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી.તપાસમાં કુલ અંદાજે 19 લાખ ઇંટો, જેની કિંમત આશરે રૂ. 95 લાખ થાય છે, તેમજ અંદાજે 2,000 ટન રોયલ્ટી વગરની માટી સીઝ કરવામાં આવી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ચારેય ઇંટવાડાઓને સ્થળ પર જ સીલ મારી દેવામાં આવ્યા હતા.
કાયદાનો અમલ માત્ર કાગળ પર નહીં, મેદાનમાં પણ આ કાર્યવાહી માત્ર ઇંટો સીઝ કરવા પૂરતી મર્યાદિત નથી. તે સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકારી જમીન પર અનધિકૃત કબજો, પર્યાવરણના નિયમોનો ભંગ અને ખનિજ સંપત્તિનો ગેરકાયદેસર ઉપયોગ હવે સહન કરવામાં આવશે નહીં. આવી કાર્યવાહી કાયદાનું શાસન મજબૂત બનાવે છે અને નિયમોનું પાલન કરતા ઉદ્યોગકારોમાં વિશ્વાસ પણ વધારશે.નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી સતત મેદાની તપાસ, પારદર્શક વહીવટ અને પ્રજાહિતના અભિગમ માટે ચર્ચામાં રહી છે. અગાઉ પણ જાહેર વિતરણ પ્રણાલીમાં ગેરરીતિઓ સામેની કાર્યવાહી હોય કે સરકારી જમીનોના રક્ષણના પ્રયાસો – તેમની કામગીરી કાયદાના નિષ્પક્ષ અમલનું ઉદાહરણ બની રહી છે.

વહીવટીતંત્રે તમામ ઇંટવાડા સંચાલકોને જરૂરી મંજૂરીઓ મેળવી, રોયલ્ટી ચૂકવી અને પર્યાવરણ સહિતના તમામ કાયદાકીય નિયમોનું પાલન કરીને જ વ્યવસાય ચલાવવાની અપીલ કરી છે. સાથે જ ભવિષ્યમાં પણ આવી આકસ્મિક તપાસો સતત ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.કાયદા પ્રત્યેની નિષ્ઠા અને પ્રજાહિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી આવી કામગીરી માત્ર ગેરરીતિઓ પર અંકુશ જ લાવતી નથી, પરંતુ જવાબદાર અને પારદર્શક વહીવટનું સકારાત્મક ઉદાહરણ પણ પૂરું પાડે છે.
