
વાંકાનેર: આધુનિક યુગમાં વીજળી માત્ર સુવિધા નહીં પરંતુ જીવનની આવશ્યક જરૂરિયાત બની ગઈ છે. ઉનાળાની આકરા ગરમી હોય કે ચોમાસાની મધરાતે પડતા વરસાદ-પવન, થોડા સમય માટે પણ વીજપુરવઠો ખોરવાય તો સામાન્ય જનજીવનથી લઈને ખેતી, વેપાર, ઉદ્યોગ અને આરોગ્ય સેવાઓ સુધી દરેક ક્ષેત્ર પર તેની સીધી અસર પડે છે. આવી સ્થિતિમાં પીજીવીસીએલના મેદાની કર્મચારીઓ વર્ષના બારેમાસ અને ખાસ કરીને ચોમાસામાં જીવના જોખમે ફરજ બજાવી સતત વીજપુરવઠો જાળવવા માટે કાર્યરત રહે છે. વાંકાનેર ગ્રામ્ય-૨ પીજીવીસીએલ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આશરે ૪૮ ગામો આવે છે. જેમાં ચિત્રખડા, તરકીયા, વીડી જાંબુડીયા તેમજ છેવાડાના વિસ્તાર નારિયેળી સહિતના ગામોમાં પણ વીજસેવા પહોંચાડવાની જવાબદારી આ ટીમ નિભાવે છે. કચેરી હેઠળ ૬૭ ખેતીવાડી ફીડર, ૧૪ સબ-સ્ટેશન, ૬ ઔદ્યોગિક ફીડર અને ૧૫ જ્યોતિગ્રામ ફીડરનો સમાવેશ થાય છે, જેના સંચાલન અને જાળવણીનું કાર્ય સતત ચાલુ રહે છે.

ફરજના ભાગરૂપે મદદનીશ ઇજનેર, જુનિયર ઇજનેર એન. એસ. ભાડજા, લાઈન ઇન્સ્પેક્ટર વાય. કે. જાડેજા, એમ. ડી. રોઝ તેમજ લાઈનમેન આર ટી ચૌહાણ,સી. એમ. ઝાલા અને પી. એ. ઝાલા સહિતની ટીમ દિવસ-રાત ફરિયાદો મળતાની સાથે જ સ્થળ પર પહોંચી વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા કામગીરી કરે છે. તાજેતરમાં વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં રહેણાંક વિસ્તારો પરથી પસાર થતી ખેતીવાડી વીજલાઈન ને ગ્રામજનો ના ઘર પર થી ખસેડી તથા જ્યોતિગ્રામ ફીડર માં કોટેડ વાયર નાખી ભવિષ્ય માં અકસ્માત ના થાય તે રીતે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આમ આ પગલાથી ભવિષ્યમાં અકસ્માતો અને વીજ જોખમ ટાળવામાં મહત્વની મદદ મળશે.તે જ રીતે વરડુસર ખેતીવાડી ફીડરમાં વધતા વીજલોડને કારણે વારંવાર વીજપુરવઠો ખોરવાતો હોવાની ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈ પીજીવીસીએલની ટીમે ટૂંકા સમયમાં ફીડરનું જરૂરી મેન્ટેનન્સ પૂર્ણ કરી વીજપુરવઠો સ્થિર બનાવ્યો હતો. પરિણામે ગ્રામજનોને લાંબા સમયથી અનુભવાતી સમસ્યાનો અંત આવ્યો છે.ચોમાસાની ઋતુમાં વરસાદ, પવન, વીજચમક અને શોર્ટસર્કિટ જેવી પરિસ્થિતિ વચ્ચે પીજીવીસીએલના મેદાની કર્મચારીઓ ઊંચા વીજ થાંભલાઓ પર ચઢી, કાદવ અને વરસાદ વચ્ચે જોખમ લઈને સેવા આપે છે. સામાન્ય રીતે વીજળી બંધ થાય ત્યારે લોકોની નજર માત્ર અસુવિધા પર જાય છે, પરંતુ તેની પાછળ જીવના જોખમે કામ કરતી ટીમની મહેનત ઘણી વખત નજર બહાર રહી જાય છે. સરકાર અને જિલ્લા સ્તરના અધિકારીઓ દ્વારા આવી ફરજનિષ્ઠ તેમજ કર્મ નિષ્ઠ ટીમોને સમયાંતરે સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવે તો અન્ય કર્મચારીઓમાં પણ ઉત્સાહ વધે અને જાહેર સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો થાય. વાંકાનેર ગ્રામ્ય-૨ પીજીવીસીએલની ટીમે ઝડપી પ્રતિસાદ, સમયસર મેન્ટેનન્સ અને ગ્રામજનોની રજૂઆતોને પ્રાથમિકતા આપીને જે કામગીરી કરી છે તે જાહેર સેવા પ્રત્યેની જવાબદારીનું સકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે. સતત અને વિશ્વસનીય વીજપુરવઠો જાળવવા માટે આવા કર્મચારીઓની નિષ્ઠા ખરેખર પ્રશંસાને પાત્ર છે.
