


વાંકાનેર, તા. 12 જુલાઈ રસ્તા અકસ્માતોમાં ઘટાડો લાવી વધુ સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા વધુ એક સકારાત્મક અને પ્રજાલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિવિઝનના નેશનલ હાઇવે પર આવેલા અકસ્માતપ્રવણ વિસ્તારોનું ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત નિરીક્ષણ કરી જોખમી સ્થળોએ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા સૂચનાઓ આપી હતી. વાંકાનેર ડિવિઝનના ડી.વાય.એસ.પી. સમીર સારડાના નેતૃત્વમાં યોજાયેલા આ નિરીક્ષણમાં વાંકાનેરના મામલતદાર, મોરબીના એ.આર.ટી.ઓ., નેશનલ હાઇવે ટીમના ધવલભાઈ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ, વાંકાનેર સીટી પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.ટીમે અકસ્માત ઝોન તરીકે ઓળખાયેલા વિવિધ સ્થળોએ રૂબરૂ મુલાકાત લઈને માર્ગની સ્થિતિ, વળાંકો, સાઇનેજ, સ્પીડ નિયંત્રણ, લાઇટિંગ, ડિવાઇડર, સર્વિસ રોડ, રિફ્લેક્ટર સહિતના મુદ્દાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સ્થળવાર ખામીઓની નોંધ લઈ નેશનલ હાઇવેની ટીમને જરૂરી સુધારાત્મક કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.અકસ્માત પછી કાર્યવાહી નહીં, હવે અકસ્માત પહેલાં જ સુરક્ષાની તૈયારી પોલીસની આ કાર્યવાહી માત્ર ઔપચારિક મુલાકાત પૂરતી નથી, પરંતુ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટેનું આગોતરું આયોજન હોવાનું સ્પષ્ટ થાય છે.


સામાન્ય રીતે અકસ્માત બાદ કાર્યવાહી થતી હોય છે, પરંતુ વાંકાનેર ડિવિઝનમાં જોખમી સ્થળોની પૂર્વ ઓળખ કરી તંત્ર વચ્ચે સંકલન સાધીને નિવારક પગલાં ભરવાની દિશામાં થયેલી આ પહેલ પ્રશંસનીય છે. રસ્તા સલામતી માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ હાઇવે એજન્સી, આરટીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલિત પ્રયાસોથી જ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બને છે. આ સંયુક્ત વિઝિટ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સ્થળવાર આપવામાં આવેલી સૂચનાઓનો સમયસર અમલ થશે તો નેશનલ હાઇવે પર અકસ્માતનું પ્રમાણ ઘટશે, મુસાફરોની સુરક્ષા વધશે અને “સુરક્ષિત માર્ગ–સુરક્ષિત જીવન”નો સંદેશ વધુ અસરકારક રીતે સાકાર થશે.