મોરબી

1850 કિમી દૂર વિખૂટા પડેલા વૃદ્ધ દંપતીને ભાવનગર પોલીસે 16 કલાકમાં મિલાવ્યા

1850 કિમી દૂર વિખૂટા પડેલા વૃદ્ધ દંપતીને ભાવનગર પોલીસે 16 કલાકમાં મિલાવ્યા

“‘SP નિતેશ પાંડ્યના માર્ગદર્શન હેઠળ આંધ્રપ્રદેશ પોલીસના સંકલનથી તિરૂપતિમાં સર્જાયો માનવતાનો સ્પર્શ; ‘પ્રજા રક્ષક’ તરીકે પોલીસની સંવેદનશીલ કામગીરીને મળ્યાં બિરદાવા”‘

ભાવનગર: આજના વ્યસ્ત અને ડિજિટલ યુગમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવનારી સંસ્થા નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં લોકો માટે સાચા અર્થમાં “પ્રજા રક્ષક” તરીકે ઉભી રહે છે તેનું જીવંત ઉદાહરણ ભાવનગર પોલીસે પૂરું પાડ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામના ભવાનીસિંહ ગોહિલ પોતાના પત્ની પ્રવિણાબા સાથે આંધ્રપ્રદેશ સ્થિત તિરૂપતિ બાલાજીના દર્શનાર્થે ગયા હતા. દર્શન દરમિયાન ભારે ભીડ વચ્ચે પ્રવિણાબા પરિવારથી વિખૂટા પડી જતા સમગ્ર પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ઘરથી અંદાજે 1850 કિલોમીટર દૂર અજાણ્યા રાજ્યમાં વૃદ્ધ મહિલા ગુમ થતાં પરિવાર માટે આ કપરા સમય સમાન બની ગયો હતો.
આ પરિસ્થિતિમાં ભવાનીસિંહ ગોહિલના પુત્રએ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડ્યનો સંપર્ક કરી મદદ માંગી હતી. રજૂઆત મળતાની સાથે જ એસપીએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ આંધ્રપ્રદેશ પોલીસ સાથે તાત્કાલિક સંકલન શરૂ કરાવ્યું. બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલા ઝડપી અને અસરકારક સંકલનના પરિણામે માત્ર 16 કલાકની અંદર પ્રવિણાબાને સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યા અને વૃદ્ધ દંપતીનું હૃદયસ્પર્શી મિલન કરાવવામાં આવ્યું. પરિવારજનો માટે આ ક્ષણ રાહત અને આનંદની બની રહી હતી. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેક્નોલોજી, સંકલન અને સંવેદનશીલ અભિગમ સાથે કામ કરતી પોલીસ લોકોના જીવનમાં આશાનો કિરણ બની શકે છે. રાજ્યની સીમાઓ પાર કરીને પણ પોલીસ તંત્રએ જે ઝડપી કામગીરી કરી તે અન્ય માટે પણ પ્રેરણારૂપ છે.

ભાવનગર પોલીસ અને આંધ્રપ્રદેશ પોલીસની આ માનવતાભરી કામગીરીને સ્થાનિકોમાંથી વ્યાપક પ્રશંસા મળી રહી છે. આવી ઘટનાઓ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનાવે છે અને “પોલીસ તમારી સાથે”નો સંદેશ સાચા અર્થમાં સાકાર કરે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder