દેશભરમાં ચાલતા વિરોધ પ્રદર્શનો અને NEET પરીક્ષા પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપ્યું.
નવી દિલ્હી / ગુજરાત ગુંજ:
દેશમાં છેલ્લા કેટલાક સમયથી NEET પરીક્ષા વિવાદ અને પેપર લીક મામલે ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પત્ર શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપવાની જાહેરાત કરી હતી.
પોતાના રાજીનામા પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું છે કે, ચાર દાયકાથી વધુ સમયથી તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યા છે. તેમણે ઉમેર્યું કે દેશના કરોડો યુવાનોનું ભવિષ્ય અને આકાંક્ષાઓ તેમના માટે સર્વોપરી છે.
ઉલ્લેખનીય છે કે, NEET પરીક્ષામાં સામે આવેલી ગડબડીઓ બાદ દિલ્હીના જંતર-મંતર સહિત દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો દ્વારા સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી. આ તમામ વ્યાપક દબાણ વચ્ચે અંતે શિક્ષણ મંત્રીએ રાજીનામું સોંપી દીધું છે.