


વાંકાનેર: અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તેમજ નાગરિકો નિર્ભય બની ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તે માટે વાંકાનેર પોલીસ તંત્રે આગોતરા આયોજન સાથે પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડાના નેતૃત્વમાં સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું. સવારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ખુલ્લો સંવાદ યોજાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ધાર્મિક લાગણીઓનું સન્માન થાય અને કોઈપણ અફવા કે ગેરસમજને સ્થાન ન મળે તે માટે સૌએ સંયુક્ત રીતે સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાંજે 6 વાગ્યે ડીવાયએસપી સમીર સારડાના નેતૃત્વમાં વિશ્વાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ બી. વી. પટેલ, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર પી. આર. સોલંકી, મોરબી એલસીબીના પીઆઈ એસ. પી. જાડેજા, મોરબી એસઓજીના પીઆઈ આર. સી. ગોહિલ, પાંચ પીઆઈ, દસ પીએસઆઈ, તાલુકા અને સિટી પોલીસની ટીમો, એલસીબી, એસઓજી તેમજ જીઆરડીના જવાનો સહિતનો વિશાળ પોલીસ કાફલો જોડાયો હતો. વિશ્વાસ યાત્રા ગ્રીન ચોક, પુલ દરવાજા, જકાતનાકા સહિત શહેરના મુખ્ય તેમજ સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. પોલીસ અધિકારીઓએ વેપારીઓ, સ્થાનિક નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન પોલીસની અસરકારક ઉપસ્થિતિએ નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવી હતી.વાંકાનેર પોલીસની આ કામગીરી માત્ર બંદોબસ્ત પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ ‘જનતા સાથે વિશ્વાસ, સંવાદ દ્વારા સુરક્ષા’ના અભિગમને સાકાર કરતી કામગીરી તરીકે સામે આવી હતી. શાંતિ સમિતિની બેઠક દ્વારા સમાજના વિવિધ વર્ગોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ અને ત્યારબાદ વિશ્વાસ યાત્રા દ્વારા મેદાનમાં પોલીસની સક્રિય હાજરી એ આધુનિક અને જનકેન્દ્રિત પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.




અષાઢી બીજ જેવા ધાર્મિક અવસરે પોલીસ તંત્રે માત્ર કાયદો અને વ્યવસ્થા જ જાળવી નથી, પરંતુ લોકોમાં વિશ્વાસ, સુરક્ષા અને સામાજિક એકતાનો સંદેશ પણ સફળતાપૂર્વક પહોંચાડ્યો છે. આગોતરા આયોજન, અધિકારીઓનું અસરકારક નેતૃત્વ અને વિવિધ પોલીસ શાખાઓ વચ્ચેના સુમેળના કારણે સમગ્ર બંદોબસ્ત સુચારૂ અને સફળ રહ્યો હતો. વાંકાનેર પોલીસની આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પ્રજાના સહયોગ અને સતર્ક પોલીસિંગના સમન્વયથી કોઈપણ ધાર્મિક પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવી શકાય છે. સ્થાનિક નાગરિકો અને વેપારી વર્ગે પણ પોલીસ તંત્રની આ જનહિતલક્ષી કામગીરીને હૃદયપૂર્વક આવકારી પ્રશંસા વ્યક્ત કરી હતી.


