મોરબી

જેતપર ખેડૂત આંદોલન વચ્ચે સરકારનો સંવાદનો સંદેશ : જિલ્લા કલેક્ટરે પરિપત્રના આધારે સ્પષ્ટ કરી સ્થિતિ

જેતપર ખેડૂત આંદોલન વચ્ચે સરકારનો સંવાદનો સંદેશ : જિલ્લા કલેક્ટરે પરિપત્રના આધારે સ્પષ્ટ કરી સ્થિતિ

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી કંપની સામે ખેડૂતોનું આંદોલન સતત આગળ વધી રહ્યું છે. ખેડૂતો દ્વારા જમીન સંબંધિત પ્રશ્નો અને માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન તેમજ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને આધારે જિલ્લા કલેક્ટરે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા અને સંવાદ માટે તૈયાર છે.
પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે ખેડૂતોની રજૂઆતોને અવગણવામાં આવી રહી નથી, પરંતુ ટેકનિકલ અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રક્રિયા મુજબ નિર્ણય લેવાશે. આ સાથે ખેડૂતોની લાગણીઓ અને પ્રશ્નોને પણ સરકાર ગંભીરતાથી લઈ રહી હોવાનું જણાવાયું છે.


જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ખેડૂત સમિતિ અને આંદોલનકારીઓને ઉચ્ચસ્તરીય સમિતિ સાથે ચર્ચા કરવા આમંત્રણ આપવાની તૈયારી દર્શાવી છે. સરકારનું માનવું છે કે ચર્ચા અને સંવાદ દ્વારા જ લાંબા ગાળાનો ઉકેલ શક્ય બને અને ખેડૂતોના હિતોની યોગ્ય રીતે રક્ષા થઈ શકે.બીજી તરફ, જેતપર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતો પોતાના પ્રશ્નોના નિરાકરણ સુધી લડત ચાલુ રાખવાના વલણ પર અડગ છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓનો સ્પષ્ટ અને લેખિત ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.આ સમગ્ર ઘટનાક્રમમાં એક તરફ ખેડૂતો પોતાના અધિકારો અને માંગણીઓને લઈને સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ સરકાર સંવાદના માર્ગે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું પરિપત્રમાં સ્પષ્ટ થાય છે. હવે આગામી દિવસોમાં બંને પક્ષ વચ્ચે ચર્ચા થાય છે કે નહીં અને તેનો શું પરિણામ આવે છે, તેના પર સમગ્ર મામલાનો આગળનો માર્ગ નિર્ભર રહેશે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder