
માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાવરગ્રીડ લાઇનમાંથી એલ્યુમીનીયમ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 13,50,000 જેટલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.મળતી માહિતી મુજબ, માળીયા મિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ખાનગી બાતમી મળી હતી કે પાવરગ્રીડ લાઇનમાંથી વાયર ચોરી કરનાર ઇસમો અંજીયાસર ગામ નજીક ગાંડીવ કારખાના તરફ શંકાસ્પદ હાલતમાં વાહન સાથે હાજર છે.આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ઇન્ટ્રા પીકઅપમાં વાયર ભરેલા શંકાસ્પદ હાલતમાં બે ઇસમો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા યુક્તિપૂર્વક પૂછપરછ કરતા બંનેએ વાયર ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો.



પકડાયેલા આરોપીઓમાં અનીસભાઈ સલેમામદભાઈ મોખા (રહે. ભુતેશ્વર ફળીયું, ભુજ) અને મુસ્તાકભાઈ હાજીભાઈ મેર (રહે. લોરીયા ગામ, ભુજ)નો સમાવેશ થાય છે.પોલીસે બંને આરોપીઓને કુલ રૂ. 13.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી તથા વધુ તપાસ હાથ ધરી છે.
