મોરબી

વનના વીરને અશ્રુભીની અંજલિ વાંકાનેર નોર્મલ રેન્જ સ્ટાફે આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

વનના વીરને અશ્રુભીની અંજલિ વાંકાનેર નોર્મલ રેન્જ સ્ટાફે આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

વાંકાનેર: કર્તવ્ય દરમિયાન વન અને વન્યજીવનની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર આર.એફ.ઓ. વિકાસ દેસાઈને વાંકાનેર નોર્મલ રેન્જના સમગ્ર સ્ટાફે ઊંડી શોકભાવના સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.આ પ્રસંગે વાંકાનેર નોર્મલ રેન્જ કચેરી ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ઉપસ્થિત સૌએ વિકાસ દેસાઈની કર્તવ્યનિષ્ઠા, બહાદુરી અને વન સંરક્ષણ પ્રત્યેના સમર્પણને યાદ કરી તેમના બલિદાનને શત્-શત્ નમન કર્યું હતું.વક્તાઓએ જણાવ્યું હતું કે વન કર્મચારીઓ જંગલો, વન્યજીવો અને કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે અનેક જોખમો વચ્ચે દિવસ-રાત ફરજ બજાવે છે. ગેરકાયદેસર લાકડાની તસ્કરી, વન્યજીવોના શિકાર અને જંગલોના અતિક્રમણ સામે તેઓ સતત લડી રહ્યા છે. આર.એફ.ઓ. વિકાસ દેસાઈનું બલિદાન સમગ્ર ફોરેસ્ટ પરિવાર માટે પ્રેરણાદાયી બની રહેશે. વાંકાનેર નોર્મલ રેન્જના સ્ટાફે સંકલ્પ વ્યક્ત કર્યો કે પ્રકૃતિના સંરક્ષણ અને વન્યજીવનની સુરક્ષા માટેની કામગીરી વધુ નિષ્ઠા અને જવાબદારી સાથે આગળ વધારવામાં આવશે. અંતે સૌએ દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
“વનના વીરને શત્-શત્ નમન… તમારી કર્તવ્યનિષ્ઠા અને બલિદાન હંમેશા પ્રેરણા આપતું રહેશે.”

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder