Uncategorized

નર્મદા કેનાલના રસ્તાઓ પર ખનીજ માફિયાઓનો કહેર! ઓવરલોડ ડમ્પરોથી સરકારી સંપત્તિ ખંડેર બનવાની કગાર પર

નર્મદા કેનાલના રસ્તાઓ પર ખનીજ માફિયાઓનો કહેર! ઓવરલોડ ડમ્પરોથી સરકારી સંપત્તિ ખંડેર બનવાની કગાર પર

હળવદ | રિપોર્ટ: સંજય નંદેસરિયા
નર્મદા કેનાલના માર્ગો પર ખનીજ માફિયાઓનું બેફામ રાજ ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે ઓવરલોડ ડમ્પરોની અવિરત અવરજવરથી કેનાલના રસ્તાઓ અને આસપાસના માળખાને ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અને ખેડૂતોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ક્ષમતા કરતાં અનેકગણું વધુ વજન ભરેલા ડમ્પરો દિવસ-રાત કેનાલના માર્ગો પર દોડી રહ્યા છે. ભારે વાહનોના દબાણને કારણે અનેક સ્થળોએ રસ્તાઓ તૂટી રહ્યા છે, ખાડાઓ પડી રહ્યા છે અને કેનાલની સુરક્ષા તેમજ જાળવણી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ખેડૂતોનું કહેવું છે કે કેનાલના રસ્તાઓનો ઉપયોગ મુખ્યત્વે જાળવણી અને કૃષિ હિત માટે થવો જોઈએ, પરંતુ હાલ આ માર્ગો ખનીજ પરિવહન માટે ઉપયોગમાં લેવાતા હોવાથી સરકારી સંપત્તિને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો ભવિષ્યમાં કેનાલના પાળાઓ, માર્ગો અને અન્ય માળખાકીય સુવિધાઓને વધુ નુકસાન પહોંચવાની શક્યતા નકારી શકાય નહીં.સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆતો છતાં જવાબદાર વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેના કારણે ખનીજ માફિયાઓમાં કોઈપણ પ્રકારનો ભય જોવા મળતો નથી.નર્મદા કેનાલ માત્ર પાણી પહોંચાડવાની વ્યવસ્થા નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખેડૂતો માટે જીવનરેખા સમાન છે. કેનાલ સાથે જોડાયેલા માર્ગોનું નિર્માણ ભારે વ્યાપારી વાહનવ્યવહાર માટે કરવામાં આવ્યું નથી. આવા માર્ગો પર સતત ઓવરલોડ વાહનો દોડવાથી માર્ગોની વહન ક્ષમતા ઘટે છે અને કેનાલની માળખાકીય સુરક્ષા જોખમમાં મુકાય છે.
ખનીજ પરિવહન માટે નિયમિત વેઇબ્રિજ ચકાસણી, ઓવરલોડ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી અને કેનાલ માર્ગો પર કડક દેખરેખ અત્યંત જરૂરી બની ગઈ છે. જો સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો સરકારી તિજોરી પર કરોડો રૂપિયાનો વધારાનો બોજો પડી શકે છે.સ્થાનિકો અને ખેડૂતો દ્વારા તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ઓવરલોડ ડમ્પરોની અવરજવર પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠી છે.હવે જોવાનું એ રહેશે કે તંત્ર ખનીજ માફિયાઓ સામે કડક વલણ અપનાવે છે કે પછી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતી આ બેદરકારી યથાવત રહે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder